હું કુરબાનીનો નહીં પણ ગુરૂબાની અને ભરપૂર બાનીનો માનવતાવાદી, જીવદયાપ્રેમી માણસ છું. એટલે કોઇપણ પ્રકારની જીવહિંસામાં માનતો નથી.
હું દ્રઢપણે માનું છું કે, કુદરતે આપણને અનેક પ્રકારના શાકભાજી, ફળ, મરી - મસાલા અને અનેક પ્રકારના પૌષ્ટિક પીણાં આપેલાં છે. જીવનને ટકાવવા માટે આવશ્યક હોય એવાં અને જીભમાં ચટપટ્ટી બોલી જાય એવાં સ્વાદિષ્ટ વ્યંજન વ્યાજબી ભાવે અને સરળતાથી ઉપલબ્ધ છે. ત્યારે બાની વિનાના મૂંગા પ્રાણીને કુરબાનીના નામે કતલ કરીને એની જ્યાફત ઉડાવવી એ મઝહબ સાથે જોડાયેલી પ્રથા હોય, તો પણ હું આવી પ્રથાનો વિરોધ કરું છું.
કુરબાનીની પ્રથા જે તે સમયે 1400 - 1500 વરસ પહેલાં આરંભાય હશે ત્યારે એવાં કોઇ સંજોગો હશે. આવી ઘટનાઓને જે તે સમય અને સંજોગ પુરતી જ મર્યાદિત માનવી જોઇએ. આજે જ્યારે મનુષ્યની ચેતનાનો આધ્યાત્મિક વિકાસ થયો છે ત્યારે લાહા લાડવાનો બકરો બનાવીને પણ એની પ્રતીક રૂપે કુરબાની કરી શકાય.!
બદલાયેલાં સમય અને સંજોગને કારણે અને ટેક્નોલોજીના વિકાસને કારણે લોકોએ ઊંટની જગ્યાએ વાહનો અપનાવ્યા, તલવારની જગ્યાએ બંદૂકો અપનાવી, વૈદ-હકીમોની જગ્યાએ મેડિકલ સાયન્સ અપનાવ્યું - તો પછી 1400 વરસ જુની જીવહિંસાની પ્રથાનું પૂંછડું કેમ હજી ઝાલીને બેસી રહેવામાં આવે છે.?
હું મક્કમ મને માનું છું કે, જે કોઇ પણ જીવને ચહેરો છે. એના ચહેરાં ઉપર ભાવ પણ હોય છે. એની કતલ કેવી રીતે થઇ શકે? એના ગળા ઉપર છરી ચલાવનારને માણસ કઇ રીતે કહી શકાય? મૂંગા પ્રાણીને વાચા નથી હોતી એનો અર્થ એવો નથી કે એનામાં સંવેદના નથી હોતી. એનું ચાલે તો એ પણ પોતાના બચાવમાં સામે છરી ઉપાડીને હલાલ કરવાવાળાની જ કુરબાની કરી નાખે?!
કુરબાનીને હવે સ્થૂળ અર્થમાં સમજવાને બદલે સુક્ષ્મ અર્થમાં મૂલવવાની જરૂર છે. જે તે સમયે હઝરત ઇબ્રાહિમે પોતાના વહાલસોયા પુત્રની કુરબાની આપવાની તત્પરતા દાખવી હતી. એનો તાત્વિક અર્થ એ થાય કે, બંદગીના માર્ગમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવી હોય તો સૌ પ્રથમ આપણને પ્રિયમાં પ્રિય હોય એવી વસ્તુ કે વ્યક્તિનો પણ ત્યાગ કરવાની તૈયારી હોવી જોઇએ. અહીં તો કોઇ સગવડિયો રસ્તો શોધીને દિકરાને બદલે મૂંગા ઘેટાં-બકરાંના નિકંદનનો કારસો રચ્યો હોય એવું દેખાય આવે છે. મઝહબ પ્રત્યેની આમાન્ય એક વાત છે અને મઝહબ પ્રત્યેની જૂનવાણી માન્યતાને જડ બનીને જાળવી રાખવી એ અલગ વાત છે.
સત્યપ્રીતિ, કરૂણા, વફાદારી, ઇમાનદારી, વતનપ્રેમ, સ્વચ્છતા, કલા સાધના, અહિંસા, નારી સન્માન, નબળાઓને રક્ષણ, ન્યાયપ્રીતિ, પરીશ્રમ, અભ્યાસ અને પરીશીલન વગેરે સનાતન અને સાર્વત્રિક માનવીય ગુણો છે. એ જગતના કોઇ બે-ચાર ધર્મોનો ઠેકો નથી. મને ઘણીવાર વિચાર આવે છે કે, આ પ્રકારના સનાતન અને સાર્વત્રિક માનવીય ગુણોને જ આપણે આપણાં વાણી-વિચાર અને વર્તનમાં લઇ આવીએ તો જ આપણે ખરાં અર્થમાં વિશ્વનાગરિક અને ખરાં અર્થમાં મઝહબી ઇન્સાન કહેવાશું
હવે જ્યારે...
પાણી વગરની હોળી,
ફટાકડા વગરની દિવાળી
અને ઈકો ગણપતિ
ઉજવાઈ રહ્યા છે ત્યારે...
બકરી આકારની કેક કાપીને Eid ઉજવીએ!
જાનવરને પણ પારકા/પોતાનાની સમજણ અને લાગણીઓ હોય છે. જુઓ નીચેનું ચિત્ર
Comments
Post a Comment