રાષ્ટ્રગીત એ કોઈ દુશ્મન પક્ષ-જાતિ-પંથ-ધર્મનું નથી બકા
જાહેરમાં ગાજતા ભૂંગળા એ ફળ ગુલામ કર્મનું નથી બકા!
હવે સુપ્રિમ પણ માને છે કે સરકારે પછી, જે કશું પણ કરવાનું છે એ પ્રજાએ પહેલાં! પ્રશ્ન એ છે કે રાષ્ટ્રીય ગીત અંગેના નવઆદેશ સામે મોં કેમ મચકોડવાનું? અરે ઘણા ભારતીય એવાય છે જેમને જય હિંદ બોલતા, ઇવન સાંભળતાંય જોર આવે. કેમ? કયા વડાપ્રધાને પંદરમી ઓગસ્ટે પ્રથમ વાર "જય હિંદ" કીધું? ક્યા પીએમએ એમની આઝાદ-દિનની સ્પીચનો અંત "જય હિંદ"થી ના કર્યો? આ "જય હિંદ" લાયું કોણ? મૂળ હૈદ્રાબાદના ઝૈન-અલ-અબ્દીન હસન ઉર્ફે આબીદ અલી સફ્રાનીએ "જય હિન્દુસ્તાન કી"નું ટૂંકું વર્ઝન કરેલું. તેઓ નેતાજીના વન ઓફ ધ સ્પેશ્યલ હતા. સ્વાતંત્ર્ય પછી તેઓ ભારત સરકારના રાજદ્વારી પણ બનેલા. નહેરુ સહિત બહુમત નેતા શુભેચ્છાની અભિવ્યક્તિ માટે "જય હિંદ"નો યુઝ કરતાં. મુક્ત ભારતનું પ્રથમ પોસ્ટ-માર્ક "જય હિંદ" હતું. "જય હિંદ" લોકપ્રિય કરવામાં જર્મનીમાં રહેતા મૂળ કેરાલાના વેંકટ પિલ્લાઇનો મોટો ફાળો હતો. ઘણા માને છે કે એ પણ "જય હિંદ"ના જન્મદાતા હતા. '૬૮ 'ને '૯૩માં "જય હિંદ" ફરી સ્ટેમ્પ્સ પર ચમકેલું. ખેર, આઝાદ હિંદ ફોજનું ફક્ત આ યોગદાન નથી.
'૪૩માં સિંગાપોર ખાતે "વંદે માતરમ્" ગવાયું ત્યારે પણ ઘણા ભારતીય મુસ્લિમોને તકલીફ હતી. ૧૮૮૨માં બંકિમચંદ્રએ લખેલા આ ગીતમાં મૂળે હિંદુ સાધુઓ અંગ્રેજોનો વિરોધ કરે છે. " તોમારી પ્રતિમા ગડી મંદિરે મંદિરે, બંદે માતરમ, ત્વં હી દુર્ગા દસપ્રહરધારિણી..." મુસ્લિમોને દર્દ આપતું. આ બાજુ નહેરુ અને નેતાજી મળ્યા ટાગોરને. ટાગોરે કીધું કે કોઈ મુસ્લિમ દશ હાથવાળી દુર્ગાને ભારત તરીકે ના પૂજે. ટાગોર 'ને ગાંધીજી પર ટીકા વરસવા લાગી. '૩૭ના અંતમાં નહેરુ, નેતાજી, સરદાર અને આઝાદે કીધું કે વાંધાજનક પંક્તિઓ સિવાય "વંદે માતરમ" બરાબર છે. '૩૮માં ઝિન્હાએ જાહેરમાં સૌને એ દર્દ-દર્શન દુશ્મનભાવે કરાવ્યા. કોમવાદ વધતો જતો હતો. અંતે '૪૩ના "વંદે માતરમ્" ગાન પછી નેતાજીએ આઈએનએના મુખ્ય વ્યક્તિઓ સાથે મિટિંગ કરી. લક્ષ્મી સહેગલે '૧૧માં ગવાયેલ બંગાળી "જન ગણ મન"નો અમુક ભાગ સ્ત્રીઓના એક ગેધરિંગમાં ગવડાવ્યો. નેતાજીને ઘણું ગમ્યું. પણ, સંસ્કૃતની અસર હેઠળની બંગાળી(સાધુ-ભાષા) સામે થોડો વાંધો પડ્યો. અંતે આબીદ અલીએ હિન્દી-ઉર્દુમાં ભાષાંતર કર્યું. જન્મ થયો "શુભ સુખ ચેન"નો! ઊંઘતા લોકોને જગાડી દે એવી સૂચના સાથે નેતાજીએ સંગીત આપવા પસંદ કરેલા "કદમ સે કદમ બઢાયે જા"ના સંગીતકાર મૂળે હિમાચલના એવા ગોરખા યોદ્ધા રામ સિંઘ ઠાકુરીને! અને "જન ગણ મન" ૧૧ સપ્ટેમ્બર, હેમ્બર્ગ ખાતે પ્રથમ વાર ગવાયું વત્તા ૨૪ જાન્યુઆરી ૧૯૫૦માં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે એ ગીતને નેશનલ એન્થમ ડિક્લેર કર્યું.
હવે વાત આવે છે વિવાદની કે ટાગોરે આ જ્યોર્જ અમુકની પ્રશસ્તિ માટે લખેલું. આ વિવાદ શરુ થયેલો '૧૧માં. જ્યારે કોંગ્રેસના વાર્ષિક અધિવેશનના બીજા દિવસના રિપોર્ટીંગમાં સ્ટેટ્સમેન, ઈંગ્લીશમેન 'ને ઇન્ડિયન જેવા અખબારો ટાગોરને જ્યોર્જ અમુકના ભક્ત જાહેર કરે છે. રામભુજ ચૌધરીના "બાદશાહ હમારા" ગીતને બધાં ભૂલી ગયા કિન્તુ, છેક '૩૭માં પણ આ વિવાદ બધાને પજવતો હતો. ટાગોરે જાહેર કર્યું કે મને એમની પ્રશસ્તિ કરવાનું કહેવામાં આવેલું. પણ, એ વાત પર મને હસવું આવેલું. જ્યોર્જ પંચમ, છઠ્ઠ કે કોઈ બી જ્યોર્જ ભારતનો ભાગ્ય-વિધાતા ના હોઈ શકે. અત્રે એ નોટ કરવું કે ટાગોરે "ભાગ્ય" શબ્દ પર એમની ઊંચાઈથી ભાર મૂકેલો. '૩૯માં એમણે ફરી કીધું કે જો હું આવું કોઈ અક્કલ વગરનું કામ કરું તો હું મારી જાતનું અપમાન કરું છું. શક્યત: પુર્લિંગ શબ્દ "અધિનાયક"માં એમના બ્રહ્મોસમાજના ગુણ બોલે છે. ગાંધીજી 'ને નેતાજીને ગમતા ગીત "એકલા ચાલો રે"ના સર્જક જલિયાવાલાબાગ હત્યાકાંડના વિરોધમાં "સર" પણ પરત કરી ચૂકેલા એય યાદ કરવું પડે. આ સિવાય પણ વિવાદ તો થયેલા કે અમુક તમુક પ્રદેશ રહી જાય છે 'ને જતા રહ્યા છે. પરંતુ, કાયદેસરની બાવન સેકન્ડનું "જન ગણ મન" એ આપણું ગીત છે, છે અને છે જ. અલબત્ત! સિંધના સ્થાને કાશ્મીર થાય તો કશું જ ખોટું નહીં થાય. હા, કદાચ.... મે બી હુર્રિયત, અબ્દુલ્લા પરિવાર અને એમના ટેકેદારો નારાજ થાય. બટમ, એ ગાય તો, એમને સંભળાય તો. એનિવે, મને તો પેલી ફિલ્મ્સ ડિવિઝનની પેશકશ "સને ઈસ્વીસન ઓગણીસો 'ને પંચાવન, જવાહરલાલ નહેરુ દિલ્હીમાં...." એ ન્યૂઝ રીલ આજના સમાચારો સાથે હવે એચડી ફોર્મેટમાં જોવાની ઇચ્છા થઈ છે. ફરજિયાત બતાવે તો જ. અને એ પણ મૂવિ પછી! જય હિંદ.

शुभ सुख चैन कि बरखा बरसे , भारत भाग है जागा
पंजाब, सिन्ध, गुजरात, मराठा, द्राविड उत्कल बंगा
चंचल सागर, विन्ध्य, हिमालय, नीला जमुना गंगा
तेरे नित गुण गाएँ, तुझसे जीवन पाएँ
हर तन पाए आषा।
सूरज बन कर जग पर चमके, भारत नाम सुभागा,
जए हो! जए हो! जए हो! जए जए जए जए हो!॥
सब के दिल में प्रीत बसाए, तेरी मीठी बाणी
हर सूबे के रहने वाले, हर मज़हब के प्राणी
सब भेद और फ़र्क मिटा के, सब गोद में तेरी आके,
गूंधें प्रेम की माला।
सूरज बन कर जग पर चमके, भारत नाम सुभागा,
जए हो! जए हो! जए हो! जए जए जए जए हो!॥
शुभ सवेरे पंख पखेरे, तेरे ही गुण गाएँ,
बास भरी भरपूर हवाएँ, जीवन में रुत लाएँ,
सब मिल कर हिन्द पुकारे, जय आज़ाद हिन्द के नारे।
प्यारा देश हमारा।
सूरज बन कर जग पर चमके, भारत नाम सुभागा,
जए हो! जए हो! जए हो! जए जए जए जए हो!॥
Comments
Post a Comment